“પાંચ લિટર મોકલાવું મારા વહાલા,”નું વાક્યથી મસ્ત મોટો સીંગતેલનો ધંધો સ્થાપિત કરનારા આ વ્યક્તિ કોણ છે?

“પાંચ લિટર મોકલાવું મારા વહાલા,”નું વાક્યથી મસ્ત મોટો સીંગતેલનો ધંધો સ્થાપિત કરનારા આ વ્યક્તિ કોણ છે?

લિટર મોકલાવું મારા વહાલા? આ શબ્દ સાંભળતા જ સફેદ ચોરણી, પેરણ, પાઘડી અને અણીદાર મૂછો વાળા વ્યક્તિની છબી નજર સામે તરવા લાગે છે. ‘પાંચ લિટર મોકલાવું મારા વહાલા?’ વાક્ય સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ પ્રખ્યાત બન્યું છે. એક બે રિલ્સ જોઈએ એટલે સીધા આ વાક્યો આપણા કાનમાં સંભળાઈ… આ વાક્યના જનેતા મનિષભાઈ બાબુભાઈ વાડદોરિયા છે. મનિષભાઈ વાડદોરિયાનો જન્મ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ઈટાવાયા ગામમાં થયો છે અને અમરેલીને પોતાની કર્મભૂમિ બનાવી છે. ખેડૂત પુત્ર મનિષભાઈએ ખૂબ આર્થિક સંકળામણનો સામનો કર્યો છે. પરંતુ નિષ્ઠા, ઈમાનદારી અને કાર્યદક્ષતા કારણે આજે સફળતાના શિખર સર કર્યા છે. તમને જણાવી દઈએ કે, મનિષભાઈ સીંગતેલનો બિઝનેસ કરી રહ્યા છે. આ તેલમાં ભેળસેળ પકડી પાડનારને એક કરોડ રૂપિયાના ઈનામની પણ જાહેરાત કરી છે. આવો આજે મળીએ મનિષભાઈ બાબુભાઈ વાડદોરિયાને…

News18

ગીર સોમનાથ જિલ્લામાં જન્મેલા મનિષભાઈ બાબુભાઈ વાડદોરિયાની ઉંમર 40 વર્ષ છે. પ્રાથમિક અને માધ્યમિક સુધીનો અભ્યાસ ઈટાવાયા ગામમાં કર્યો હતો. 12 ધોરણનો અભ્યાસ કર્યા બાદ આ વિસ્તારમાં આવેલી કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો હતો. કોલેજના અભ્યાસ સાથે પિતા બાબુભાઈ સાથે વ્યવસાયમાં લાગી ગયા હતા. મનિષભાઈનો સીંગતેલનો મોટો બિઝનેસ છે. આ વ્યવસાયની શરૂઆત કરી ત્યારે ખાસ આર્થિક જોગવાઈ ન હતી. પોતાની 10 વિઘા જમીનમાં મગફળીનું વાવેતર કરતા હતા અને તેનું દેશી ઘાણીમાં પિલાણ કરી તેલ વેચતા હતા. જણાવી દઈએ કે, તેમણે તેલના 10 ડબ્બાથી તેલના વ્યવસાયની શરૂઆત કરી હતી.

આ વ્યવસાય શરૂ કરવાનું કારણ શું?

મગફળીના તેલનો વ્યવસાયની શરૂઆત એટલા માટે કરવામાં આવી હતી કે, ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં સૌથી વધારે મગફળીનું વાવેતર કરવામાં આવે છે અને વર્ષોથી દરેક વ્યક્તિઓ મગફળીનું તેલ ખાય છે. મગફળીની સંપૂર્ણ માહિતી હોવાને કારણે મગફળીના તેલનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું હતું. આ સાથે જ પોતે લગ્નગ્રંથિથી જોડાયા બાદ ઘરની અંદર એ પ્રશ્ન ચર્ચાતો હતો કે, કયું તેલ ખાવું જોઈએ? પરંતુ પોતે ખેડૂત હોવાથી વર્ષોથી મગફળીનું તેલ, સીંગતેલ ખાતા હતા અને વર્ષમાં ચાર ડબ્બા તેલ જોતું હોવાથી દેશી ઘાણીએ જતા અને ચાર ડબ્બા તેલ ઘાણીનું તૈયાર કરતા હતા. આમ, આ રીતે તે તેલનો ઉપયોગ કરતા હતા. આ સાથે, થોડું તેલ વધતું હતું તે અન્ય લોકોને પણ વેચતા હતા. બાદમાં ધીમે ધીમે સારું તેલ મળતા આ બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. તેમણે કોરોના કાળમાં બિઝનેસની શરૂઆત કરી હતી.

સોશિયલ મીડિયામાં લોકો અભદ્ર કોમેન્ટ કરતા

મનિષભાઈએ જણાવ્યું કે, વ્યવસાયનું માર્કેટિંગ કરવા સોશિયલ મીડિયામાં Facebook, Instagram અને Youtubeનો સહારો લીધો હતો. તેમાં તેલનું પોસ્ટર અથવા વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હતા. જોકે, કોમેન્ટમાં લોકો અભદ્ર ટિપ્પણી પણ કરતા હતા. તો પણ મનિષભાઈએ હાર માની નહીં અને તેમનું કાર્ય સતત ચાલુ રાખ્યું હતું. બે વર્ષ સુધી આ અભદ્ર શબ્દોની કોમેન્ટો સોશિયલ મીડિયાના પેજ ઉપર સાંભળવા મળી હતી, પરંતુ સોશિયલ મીડિયાના પેજ ઉપર અભદ્ર શબ્દનો ઉપયોગ કરનાર વ્યક્તિને પોતે રિપ્લાય આપતા હતા અને આ રિપ્લાયમાં લખતા હતા કે, ‘‘વહાલા અમે શું ખોટું કર્યું? વહાલા અમે શું ખોટું કીધું?’’ પરંતુ સોશિયલ મીડિયામાં નેગેટિવ અને અભદ્ર શબ્દનો ઉપયોગ કરનાર વ્યક્તિઓને અમારા શબ્દ લાગી આવતા હતા અને આખરે તેઓ જ અમારા કસ્ટમર બનવા લાગ્યા હતા.

આવી રીતે ’વહાલા’ શબ્દ થયો પ્રખ્યાત

તેમણે વધુમાં કહ્યું કે, ‘વહાલા’ શબ્દ લખવાના કારણે લોકો અમારા તરફ વળ્યા હતા. ‘વહાલા’ શબ્દમાં આત્મીયતા ભરેલી છે, ‘વહાલા’ શબ્દમાં પ્રેમ ભરેલો છે. ‘વહાલા’ શબ્દમાં લાગણી ભરેલી છે અને બે વર્ષના સોશિયલ મીડિયાના સહારે દરેક વ્યક્તિને સુખ, શાંતિ અને પ્રેમ મળ્યો છે. ત્યારબાદ દરેક વ્યક્તિને ‘વહાલા’ શબ્દથી સંબોધન કરી અને પોતાના કસ્ટમર બનાવવા માટે મહેનત કરી હતી. આખરે આ ‘પાંચ લિટર મોકલાવું મારા વહાલા?’ વાક્યનો જન્મ થયો હતો. બે વર્ષના અનુભવ બાદ આ ‘વહાલા’ શબ્દનો પ્રયોગ કરી અને માર્કેટિંગની શરૂઆત કરી હતી.

મગફળીનું તેલ જ કેમ? કપાસનું તેલ કેમ નહીં?

મનિષભાઈએ જણાવ્યું કે, મગફળીની સાથે કપાસનું પણ વાવેતર કરવામાં આવે છે અને કપાસિયા તેલનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કપાસ અને મગફળીની કાપણીની સીઝન સમયે દરેક ખેડૂતોને દેશી ઘાણી સુધી મગફળી લઈને જતા જોયા છે અને મગફળીનું તેલ પિલાણ કરાવી ઘરે લાવતા જોયા છે. પરંતુ હજુ સુધી એક પણ ખેડૂત એવો જોવા મળ્યો નહીં કે, જે ખેડૂત કપાસની ગાંસડી ભરીને ઘાણીએ જાય છે અને કપાસિયાનું તેલ કરાવી કપાસિયા તેલ લઈ ઘરે લાવે છે. દરેક ખેડૂતનો એક જ આગ્રહ હોય છે કે, મગફળીનું તેલ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારું છે.

News18

કપાસિયાનું તેલ ભારતના અન્ય રાજ્યમાં ખવાતું નથી

મનિષભાઈએ જણાવ્યું કે, પોતે સમગ્ર ગુજરાતના દરેક તાલુકાના જિલ્લા મથકે પ્રવાસ કર્યો છે અને ગુજરાત બહાર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, કન્યાકુમારી સુધી પ્રવાસ કર્યો છે. પરંતુ કપાસિયા તેલનો ઉપયોગ ક્યાંય જોવા મળતો નથી. ગુજરાતની અંદર જ કપાસિયા તેલનો ઉપયોગ કરતા હોવાનું જોવા મળે છે. જેથી દરેક જગ્યાએ મગફળીના તેલનો ઉપયોગ કરતા હોય એવું જ જાણવા મળ્યું છે. પોતે ખુદ એ અનુભવેલું છે, જેથી મગફળી ઉપર પ્રોસેસિંગ કરી તેલ બનાવી અને વેચાણ કરવાનું પોતાને નક્કી કર્યું હતું.

ખાતામાં 1 લાખ ન હતા અને 1 કરોડના ઈનામની જાહેરાત

તેમણે વધુમાં જણાવ્યું કે, તેલમાં ભેળસેળ સાબિત કરનાર વ્યક્તિને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. હજુ સુધી કોઈ પણ વ્યક્તિએ 1 કરોડનું ઈનામ મેળવવા પ્રયાસ કર્યો નથી. મહત્વની વાત એ છે કે, જ્યારે તેમણે પોતાના ખાતામાં એક લાખ રૂપિયા ન હતા, ત્યારે એક કરોડની ઇનામ આપવાની જાહેરાત કરી હતી. તેમને પોતાની મહેનત અને પોતાના સીંગતેલ ઉપર 100 ટકા વિશ્વાસ છે. તેમણે જણાવ્યું કે, મગફળીની ખરીદી કરીને પ્રોસેસિંગ કર્યા બાદ ગ્રાહકો સુધી જાતે જ તેલ પહોંચાડે છે. આથી, ભેળસેળનો પ્રશ્ન જ ઉભો થતો નથી.

બે લાખ તેલના ડબ્બાનું વેચાણ થવાનો અંદાજ

કોરોના સમયે બિઝનેસની શરૂઆત કરી ત્યારે 24 કલાકમાં 17 ડબ્બા તેલ તૈયાર થાય એટલો નાનો પ્લાન્ટ હતો. હાલના સમયમાં 24 કલાકમાં 1300 ડબ્બા તેલ તૈયાર કરવામાં આવે છે. તેમના દ્વારા વિશાળ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને 24 કલાક તેલ તૈયાર કરવા માટેના ઘણા પ્લાન્ટ શરૂ હોય છે. આ સાથે જ, 50થી વધુ વ્યક્તિઓને રોજગારી પણ આપવામાં આવે છે. શરૂઆતમાં એક વર્ષનું 300 ડબ્બાનું સેલિંગ કરવામાં આવ્યું હતું. બીજા વર્ષે 2300 ડબ્બા સેલ કરવામાં આવ્યા હતા. ત્રીજા વર્ષે 17000 ડબ્બા વેચાણ કરવામાં આવ્યું હતું અને ચાલુ વર્ષે 2 લાખથી વધુ ડબ્બાનું વેચાણ થવાની શક્યતા છે. હાલ તેલનો અંદાજીત ભાવ 3200 થી 3400 રૂપિયા છે.

News18

હંમેશા ખેડૂતના ડ્રેસમાં જોવા મળે છે

મનિષભાઈએ પોતાના પરિવારની વાત કરતા જણાવ્યું કે, ‘‘અમે ત્રણ ભાઈઓ છે, આ સાથે ઘરમાં માતા-પિતા અને મારા પત્ની અને પુત્ર છે.’’ પોતાના ત્રણે ભાઈઓએ સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે. પોતાની મહેનતે જ આગળ વધ્યા છે. પોતાની પાછળ કોઈ બેકગ્રાઉન્ડ નથી તેમજ આર્થિક રોકાણ કરે તેવી કોઈ વ્યક્તિ પણ ન હતી. મહેનત કરીને આગળ આવ્યા છીએ. રોજ નવું શીખતા રહે છે. મનિષભાઈ હંમેશા ખેડૂતના ડ્રેસમાં જોવા મળે છે. પોતે દેશી ખોરાક લેવાનું પસંદ કરે છે. મનિષભાઈને ગામડું વધુ પસંદ છે.

મનિષભાઈએ જણાવ્યું કે, તેમને ઈશ્વર અને ભગવાનમાં 100 ટકા શ્રદ્ધા છે. કપાળ ઉપર તિલક કરે છે અને ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પોતે મહેનત કરી રહ્યા છે, જેથી જ પોતે ખૂબ જ આગળ વધી રહ્યા છે. સવારે ઊઠે ત્યારથી 12 થી 18 કલાક સુધી મહેનત કરી રહ્યા છે. તેમના તેલ માટેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત થયા છે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *