દુર્ઘટનાને ત્રણ વર્ષ પૂરા: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

દુર્ઘટનાને ત્રણ વર્ષ પૂરા: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

સુરતના સરથાણા જકાતનાકા પર આવેલી તક્ષશિલા બિલ્ડીંગમાં સર્જાયેલી આગની દુર્ઘટનાને 3 વર્ષ પૂર્ણ થયા છે. 3 વર્ષ અગાઉ સર્જાયેલી આગની હોનારતમાં 22 માસૂમો હોમાઈ ગયા બાદ તેમના વાલીઓ અને મૃતકોના સ્વજનો દ્વારા ન્યાય મેળવવા માટે વલખા મારવા પડી રહ્યા છે. વાલીઓ દ્વારા આજે તક્ષશિલા ખાતે જઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. તમામ મૃતકોના સ્વજનોની આંખો આજે ફરી એક વખત છલકાઈ હતી. મૃતકોના વાલીઓએ કોર્ટમાં રોજે રોજ સુનાવણી થાય તેવી માગ સાથે ફાયરબ્રિગેડના અધિકારીઓ સહિતના તંત્રના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી. સમગ્ર કેસમાં 14 જેટલા આરોપીઓ સામે કેસ ચાલી રહ્યો છે.

ઝડપી સજાની માગ
મૃતકના સ્વજન જયસુખ ગજેરાએ એક વેબસાઈટ સાથે ખાસ વાતચીત કરતા પોતાની વ્યથા વર્ણવી હતી. તેમણે કહ્યું કે, તંત્ર ઘારે તો તક્ષશિલા કાંડના આરોપીઓ અને ઝડપથી સજા થઈ શકે છે. આ મારી એક વાલી તરીકેની માન્યતા નથી. પરંતુ કાયદાના નિષ્ણાતો પણ માને છે કે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તક્ષશિલા કાંડની સુનાવણી હાથ ધરવી જોઈએ. પરંતુ ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે, જે કેસની અંદર તંત્ર રસ લે છે. તે જ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલે છે.

તંત્રના અધિકારીઓને છાવરાયાના આક્ષેપ
અગ્નિકાંડમાં માસૂમના જીવ હોમાઈ ગયા બાદ પણ કેટલાક અધિકારીઓને છાવરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. વાલીઓએ કહ્યું કે, અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે, અગ્નિકાંડ જેવી ઘટના બનતી હોય ત્યારે સુરત મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ અને જે તે સમયે ફાયર વિભાગના વડા કેતન પટેલને આરોપી બનાવવાની માંગ હતી. છતાં પણ એમને છાવરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ ડીજીવીસીએલના અધિકારીઓ અને આકારણી વિભાગના અધિકારીઓની પણ જવાબદારી હોવા છતાં તંત્ર તેમની સામે કોઇ પગલાં નથી લઈ રહ્યું. ફાયર વિભાગ, ડીજીવીસીએલ અને આકારણીના અધિકારીઓને જવાબદાર ઠેરવીને તેમને પણ આરોપી બનાવવા જોઈએ.

માસૂમોને ભીની આંખે શ્રદ્ધાંજલિ
આજે 3 વર્ષ થતાં સવારે ફરી એક વખત તક્ષશિલા ખાતે વાલીઓ પહોંચ્યા હતા.બાળકોને શ્રધ્ધાંજલિ આપતા હતા ત્યારે આંખો છલકાઈ આવી હતી.વાલીઓએ કહ્યું કે, અમે ઇચ્છી રહ્યા છીએ કે, એક સ્મારક બનાવવામાં આવે. જેથી કરીને ભ્રષ્ટ તંત્ર દ્વારા કરવામાં આવેલી ભૂલોને કારણે ફરીથી આવા બાળકો ભોગ ન બને. કેટલાક સામાજિક અગ્રણીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે, બાળકોની યાદમાં સ્મારક બનાવવામાં આવે. અમને જાણવા મળ્યું છે કે, બેથી ત્રણ અલગ અલગ જગ્યા ઉપર સ્મારક બનાવવા માટેની વિચારણા કરવામાં આવી રહી છે. આવા સ્મારક બનાવવા જરૂરી છે. એટલા માટે કે, તે જોઇને બીજી વખત આવી ઘટના આકાર ના લે. તેને જોઈને જાગૃતિ લોકોમાં અને અધિકારીઓમાં ખાસ રહે.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *