નાના ખેડૂતોના ફાયદાની વાતઃ ખેતરના શેઢે શેઢે વાવી દેશો તો પણ 10 વર્ષ સુધી લાખોમાં કમાણી કરાવશે

નાના ખેડૂતોના ફાયદાની વાતઃ ખેતરના શેઢે શેઢે વાવી દેશો તો પણ 10 વર્ષ સુધી લાખોમાં કમાણી કરાવશે

નાના ખેડૂતો માટે આ કેતી લીલા સોનાની ખેતી જેવી છે. આજે જ્યારે લોકોનું પોતાની હેલ્થ વિશે વધુ ધ્યાન છે ત્યારે સરગવાની શિંગની ખેતીથી તમે એકવાર વાવીને વર્ષોના વર્ષ સુધી લાખોમાં કમાણી કરી શકો છો. સરગવાની શિંગની ખેતીમાં તેના પાંદડા, ડાળી અને ફળો બધાનો જ ઉપયોગ થાય છે.

જો તમે અથવા તમારી ઓળખાણમાં કોઈ નાના ખેડૂત છે તો તેમના માટે આ ખેતી ખૂબ જ લાભદાયક છે. આ ખેતી કરીને નાના ખેડૂત ટૂંકગાળામાં લાખો રુપિયા કમાઈ શકે છે. આ ખેતી એટલે સરગવાની શિંગની ખેતી. સરગવો એક બહુઉપયોગી ઝાડ છે. તેના થડ, ડાળી, પાન અને શિંગ બધા જ પોષકતત્વોથી ભરપૂર છે. ખેડૂતોને આ ઝાડની ખેતીથી અનેકગણો વધુ લાભ મળે છે. એટલે જ કહેવાય છે કે નાના ખેડૂતો માટે તો સરગવાની ખેતી કોઈ વરદાનથી ઓછી નથી. આ ઉપરાંત સરગવાની ખેતી સાવ બંજર જમીનમાં પણ કરી શકાય છે. તેમજ તેની સાથે સાથે અન્ય પાકની ખેતી પણ કરી શકાય છે. આવો તો સરગવાની ખેતી વિશે તમામ માહિતી મેળવીએ.

સરગવાના છોડમાં પોષક તત્વઃ સરગવાના છોડામાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. જે આરોગ્યના લાભ આપે છે. સરગવામાં કાર્બોહાઈડ્રેડ, પ્રોટીન, પાણી, વસા, વિટામિન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન એલિમેન્ટ, મેગનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમ વગેરે પોષક તત્વો મળે છે. તમને જણાવી ધઈએ કે તેમાં 90 પ્રકારના મલ્ટિવિટામિન્સ અને 45 પ્રકારના એન્ટિઓક્સિડેન્ટ મળી આવે છે. આ ઉપરાંત 35 પ્રકારના પેઇન રિલિવર અને 17 પ્રકારના એમિનો એસિડ મળે છે.

સરગવાના તમામ ભાગોનો વપરાશઃ સરગવાના છોડ 4 થી 6 મીટર ઉંચા હોય છે અને તેને ફૂલ આવતા 90 થી 100 દિવસ લાગે છે. ખેડૂતો તેમની જરૂરિયાત મુજબ વિવિધ તબક્કામાં તેના ફળની લણણી કરી શકે છે. છોડ વાવણી પછી લગભગ 160 થી 170 દિવસમાં ફળ આપવાનું શરૂ કરે છે. મોરિંગાની કાચી લીલી શીંગો સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. તમને જણાવી દઈએ કે સરગવાના પાંદડા, ફૂલ, ફળ, બીજ, ડાળીઓ, છાલ અને મૂળ ખાઈ શકાય છે.

સરગવાની સુધારેલી જાતોઃ ભારતમાં સરગવા અથવા મોરિંગાની સુધારેલી જાતોમાં PKM 1, કોઈમ્બતુર 2, રોહિત 1 અને PKM 2નો સમાવેશ થાય છે. સરગવાની આ સુધારેલી જાતોનું વાવેતર ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

સરગવા માટે યોગ્ય જમીન અને આબોહવાઃ ખેડૂતો કોઈપણ પ્રકારની જમીનમાં સરગવાની ખેતી કરી શકે છે, પરંતુ સૂકી રેતાળ અથવા માટીવાળી જમીન સારા ઉત્પાદન માટે યોગ્ય માનવામાં આવે છે. સરગવા છોડ ગરમ વિસ્તારોમાં સરળતાથી ઉગે છે. આ છોડને વધારે પાણીની જરૂર પડતી નથી. મોરિંગાની ખેતી ઠંડા વિસ્તારોમાં ખૂબ ઓછી થાય છે, કારણ કે તેનો છોડ ભારે ઠંડી સહન કરી શકતો નથી. તેની ખેતી માટે 25 થી 30 ડિગ્રી તાપમાન સૌથી યોગ્ય માનવામાં આવે છે.

સરગવાના પ્લાન્ટનું વાવેતરઃ સરગવાનો છોડ વાવવા માટે, ખેડૂતોએ પહેલા ખેતરમાં ખાડાઓ બનાવવા જોઈએ. જ્યારે ખેતર સંપૂર્ણપણે નીંદણ મુક્ત થઈ જાય, ત્યારે 2.5 X 2.5 મીટરના અંતરે અને 45 X 45 X 45 સે.મી. માપનો ખાડો બનાવવો જોઈએ. સરગવાના બીજ રોપતા પહેલા તેને ખાડામાં અથવા પોલીથીન બેગમાં તૈયાર કરવામાં આવે છે. જ્યારે છોડની લંબાઈ લગભગ 75 સેમી થઈ જાય છે, ત્યારે તેના ઉપરના ભાગને તોડીને તેની શાખાઓ દૂર કરવી સરળ બને છે.

સરગવાના છોડની લણણીઃ સરગવા છોડને રોપ્યા પછી, લગભગ 10 વર્ષ સુધી ફળો મેળવી શકાય છે. દર વર્ષે પાક મેળવ્યા પછી છોડને કાપવો જરૂરી છે. તેની ફળ આપતી જાતો ફેબ્રુઆરી-માર્ચ અને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં લણવામાં આવે છે. દરેક છોડમાંથી એક વર્ષમાં લગભગ 40 થી 50 કિલો સરગવો મેળવી શકાય છે. તેના પાકનું વાવેતર કર્યાના પ્રથમ વર્ષ પછી, તે વર્ષમાં બે વાર ઉત્પાદન આપે છે અને એક વૃક્ષ 10 વર્ષ સુધી સારું ઉત્પાદન આપે છે.

સરગવાની ખેતીમાં કમાણીઃ અત્યાર સુધી તો વાત થઈ સરગવાના ગુણ અને તેની ખેતી કઈ રીતે કરવી તે બાબતની, પણ હવે તમને આ ખેતી કરવાનો આઇડિયા કેમ આપી રહ્યા છીએ તેનું એક બીજુ મહત્વનું કારણ પણ જણાવી દઈએ. તે છે સરગવાની ખેતીમાં થતી માતબર આવક, ભારત જ નહીં વિદશોમાં સરગવાની માંગ સતત વધી રહી છે. જેનાથી ખેડૂતોને ખૂબ મોટું માર્કેટ મળી રહે છે. જો 1 એકરમાં આ શિંગની ખેતી કરવામાં આવે તો આટલા ખેતરમાં લગભગ 1500 ઝાડ ઉછેરી શકાય છે. જો દરેક ઝાડ યોગ્ય રીતે વધે છે તો 8 મહિનાના સમયમાં તે તૈયાર થઈ જાય છે. જેનાથી તમને કુલ 3000 કિલો કરતાં વધારે ઉત્પાદન મળે છે. આ ઉપરાંત સરગવાના પાન અને ડાળીઓથી પણ અલગથી કમાણી થાય છે.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ ખેતીને લગતી જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યૂઝ 7 ગુજરાત તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરુર લો.)

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *