સુરતી મહિલાઓએ કોરોનાની આફતને અવસરમાં બદલ્યો, ભજન-કિર્તન કરતા કરતા જ લાખો રૂપિયોની કમાણી કરીને અનેક લોકોને રોજગાર મળ્યો

સુરતી મહિલાઓએ કોરોનાની આફતને અવસરમાં બદલ્યો, ભજન-કિર્તન કરતા કરતા જ લાખો રૂપિયોની કમાણી કરીને અનેક લોકોને રોજગાર મળ્યો

ભજન-કિર્તનના સત્સંગથી ભગવાનને ભજતી મહિલાઓએ કોરોનાની આફત વખતે સમાજ સેવા કરી, પરંતુ, આટલેથી બેસી ન રહેતા લોકોને રોજગારી પણ મળી રહે અને સમાજસેવા પણ સતત થતી રહે તે માટે કંઈક કરવાનું આયોજન કર્યું. જેમાં મહિલાઓએ સોલર બ્યૂટી પ્રોડક્ટ બનાવવાનું શીખીને તેનું વેચાણ શરૂ કર્યું. આ પ્રોડક્ટ બનાવવાથી રોજગારીથી ઉભી થઈ રહી છે. સાથે જ જે નફો મળે તે સમાજ સેવાની સાથે મુંગા પશુ પંખીઓ પાછળ વાપરવાનું નક્કી કરાયું છે. બહેનો દ્વારા બે વર્ષ બાદ મહિને 10થી 20 લાખ નફો થવાની ધારણા છે. જે વાપરવા અત્યારથી જ આયોજન થયું છે. જેમાં રખડતા નંદી(બળદ) માટે શાળા (રહેઠાણ)ની વ્યવસ્થા કરવામાં આવશે.

કોઠાસૂઝથી પ્રોડક્ટ ડેવલપ કરી
AVR સોલર બ્યૂટી પ્રોડક્ટનું વેચાણ કરતાં અનિલાબેન રૂપાપરાએ કહ્યું હતું કે, મેં M.Com સુધીનો અભ્યાસ કર્યો છે. 54 વર્ષની ઉંમર સુધી હાઉસવાઈફ તરીકે રહ્યા બાદ મારા ઘરે 7 વર્ષથી સત્સંગ થતો હતો. પરંતુ, કોરાના કાળમાં લોકોને પડેલી મુશ્કેલીમાં મને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો હતો. જેથી મુંબઈમાં રહેતા 78 વર્ષના વયોવૃદ્ધ મહિલા પાસેથી બ્યૂટી પ્રોડક્ટ બનાવવાનું શીખી હતી. ત્યારબાદ મારી કોઠાસૂઝનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની કુલ 17 જેટલી પ્રોડક્ટ બનાવીને વેચાણ કરીએ છીએ.

ઘરમાં જ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો
નાના વરાછા વિસ્તારમાં રહેતા અનિલાબેન અને તેમની સાથે સત્સંગ મંડળની 12 મહિલાઓ જોડાઈ છે. જેઓ પોતાના ઘરે જ સોલર કુકરની મદદથી ગૃહ ઉદ્યોગમાં તમામ પ્રોડક્ટ બનાવે છે. સાથે આ પ્રોડક્ટ બનાવવા માટે જરૂરીયાતમંદ મહિલાઓ પણ આવે છે. જેમને રોજગારી પણ મળી રહે છે. લગભગ 6થી 7 મહિલાઓ અઠવાડિયામાં ચાર દિવસ કામ માટે આવે છે. આ મહિલાઓને તેમની કાર્યકુશળતા પ્રમાણે કલાકના 100 રૂપિયા સુધીની કમાણી પણ થાય છે.

દોઢ લાખના રોકાણથી ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો
સત્સંગ મંડળની મહિલાઓએ કહ્યું હતું કે, અમારા આ ગૃહ ઉદ્યોગમાં વધારે મશીનરીની જરૂર રહેતી નથી. મહેનત પર ચાલતા આ ગૃહ ઉદ્યોગમાં બ્યૂટી પ્રોડક્ટ બનાવવા માટે અમારે 3 સૂર્યકુકર, તેલ કાઢવાના મશીન, મીક્ચર સહિત જરૂરી બીજા સાધનો વસાવવા પડ્યાં હતાં. જેથી લગભગ શરૂઆતમાં અઢી લાખ જેવું રોકાણ થયું હતું. આ ગૃહ ઉદ્યોગમાં રોકાણ કરતાં પણ ઝીણવટભર્યુ કામ મહત્વનું સાબિત થતું હોય છે.

17થી વધુ પ્રોડક્ટ બનાવવામાં આવે છે
સત્સંગ મંડળની મહિલાઓ દ્વારા AVR એટલે કે અનિલાબેન વિનોદભાઈ રૂપાપરા નામની બ્રાન્ડ બનાવવામાં આવી છે. જેમાં હેર ઓઇલ, ફેશિયલ કીટ, સ્ક્રબ, ફેસપેક, હેર સ્પા, ફેસવોશ, સંધિવા તેલ અને મસાજ ઓઇલ પણ તૈયાર કરવામાં આવે છે. આ પ્રોડક્ટને ઓનલાઈન અને ઓફલાઈન વેચાણ માટે પણ મૂકવામાં આવે છે. જેથી ભારતની સાથે સાથે અમેરિકા, કેનેડા, જર્મની સહિતના દેશોમાં આ પ્રોડક્ટનું વેચાણ થઈ રહ્યું છે. હોલસેલમાં 20 ટકા સુધીના રાહતદરે પણ આપવામાં આવે છે.

રિઝલ્ટ મળે તેને જ વેચાણ માટે અપાય છે
પ્રોડક્ટ નેચરલ હોવાથી કોઈ આડઅસર થતી નથી તેમ જણાવતા અનિલાબેન કહે છે કે, અમે અત્યારે 50 જેટલા લોકોને વેચાણ માટે પ્રોડક્ટ આપીએ છીએ. ગુજરાત અને મહારાષ્ટ્રમાં અમારા વિક્રેતા છે, પરંતુ, અમારો નિયમ છે કે, જે વ્યક્તિ એક મહિનો અમારી પ્રોડક્ટ વાપરે અને પછી પોતાનું રિઝલ્ટ આવે તેમને જ વેચાણ માટે અમારી પ્રોડક્ટ આપી છીએ. આડેધડ બધાને અમારી પ્રોડક્ટ વેચાણ માટે આપતા નથી.

ખુદ પર પહેલા પ્રયોગ કરી વેચાણ માટે અપાય છે
સત્સંગ મંડળની મહિલાઓ જે નવી પ્રોડક્ટ તૈયાર કરે તેને સૌ પ્રથમ પોતાના શરીર પર જ પ્રયોગ કરે છે. જેમાં પરિવારના નાના બાળકોથી લઈને 80 વર્ષના વયોવૃદ્ધનો સમાવેશ થાય છે. પોતાના પર પ્રયોગ થયા બાદ તેનું સારું રિઝલ્ટ મળે પછી જ આ પ્રોડક્ટના જરૂરી દસ્તાવેજો મેળવી લઈને બજારમાં વેચાણ માટે મુકવામાં આવે છે. પહેલી પ્રોડક્ટ તો ગામમાં તડકામાં કામ કરતાં શ્રમિકોને કિફાયતી દરે આપવામાં આવી હતી. મહિલાઓ દ્વારા બનાવાતી પ્રોડક્ટ બજારમાં મળતી અન્ય પ્રોડક્ટ કરતાં કેમિકલ વગર સોલરથી બનાવવામાં આવે છે, તેમ છતાં તેની કિંમત બજારમાં મળતી અન્ય પ્રોડક્ટ કરતાં સસ્તી છે એટલે કે, 250થી લઈને 1000 રૂપિયા સુધીની અલગ અલગ પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવે છે.

વિશ્વભરમાં પ્રોડક્ટ પહોંચાડવાની ઈચ્છા
સત્સંગ મંડળની મહિલાઓએ કહ્યું કે, અમારી આ પ્રોડક્ટમાં કોઈ આડઅસર થતી નથી. કેમિકલ વગરની પ્રોડક્ટ બનાવી છે. આ પ્રોડક્ટ બધા જ પ્રદેશોમાં જોઈતું પરિણામ આપે તેવી છે. અમને ઘણા બધા લોકોના રિઝલ્ટ મળે છે, તેઓ અમને આશિર્વાદ પણ આપે છે. એટલે અમારે આ પ્રોડક્ટ વિશ્વભરમાં પહોંચાડવાની ઈચ્છા છે. અમારો ધ્યેય આવકનો નથી. જેથી ઓછી કે વધુ જે આવક થાય તે સેવામાં વાપરવાના છીએ, પરંતુ, લોકોને રોજગારી પણ પૂરતી મળી રહે તે માટે અમે હાલ અમારા કામને રોજે રોજ વિસ્તારી રહ્યા છીએ. બ્યૂટીની સાથે હેલ્થને લગતી પ્રોડક્ટ પણ આગામી સમયમાં માર્કેટમાં મૂકવાના છીએ.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *