દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેમના ઘરે જમ્યા એ રિક્ષાચાલકનું જીવન કેવું છે? શું તમે આ વ્યક્તિના જીવન અંગે જાણો છો?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેમના ઘરે જમ્યા એ રિક્ષાચાલકનું જીવન કેવું છે? શું તમે આ વ્યક્તિના જીવન અંગે જાણો છો?

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં રિક્ષાચાલકો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન એક રિક્ષાચાલકે તેમને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું અને રાતનું ભોજન લેવા માટે કેજરીવાલ તેની જ રિક્ષામાં બેસીને તેના ઘરે ગયા હતા. તેના ઘરમાં બેસીને ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે કેજરીવાલ સાદું ભોજન જમ્યા હતા. અરવિંદ કેજરીવાલ સાહેબને મેં મારા ઘરે જમવા માટે કહ્યું હતું. મને વિશ્વાસ જ નહોતો કે તેઓ મારા ઘરે જમવા આવશે. હું તેમને તાજ હોટલથી રિક્ષામાં બેસાડીને મારા ઘરે લઈ આવ્યો હતો, મને એની બહુ જ ખુશી છે. વિક્રમ દંતાણી અને તેમનાં પત્ની સાથે ખાસ વાતચીત કરી હતી.

વિક્રમભાઈના પિતાનું વર્ષ 2013માં અવસાન થયું હતું
વિક્રમભાઈના ઘરની જ્યારે મુલાકાત લીધી ત્યારે આગળ એક નાની ઓસરી, ત્યાર બાદ એક નાનકડો રૂમ અને રસોડું જેટલું નાનું મકાન છે. આ એક રૂમ રસોડાના મકાનમાં વિક્રમભાઈ દંતાણી તેમનાં બે ભાઈ-પત્ની, એક વર્ષની દીકરી અને તેમનાં પત્ની સાથે રહે છે. વિક્રમભાઈના પિતાનું વર્ષ 2013માં અવસાન થયું હતું અને ત્યારથી તેઓ રિક્ષા ચલાવે છે. તેમના બંને ભાઈ તેઓ પણ સામાન્ય પાંચથી દસ હજારની જ નોકરી કરે છે. વિક્રમભાઈ એટલા સામાન્ય ગરીબ પરિવારમાંથી આવે છે કે તેમના પુત્રના માટે ઘરમાં ઘોડિયું પણ નથી અને તેઓ ખાટલામાં ઘોડિયું બાંધીને રહે છે. એકદમ સામાન્ય ગરીબ પરિવારમાં રહેતા આ વિક્રમ દંતાણીના ઘરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જમવા આવ્યા હતા અને જેનાથી એક આ રિક્ષાચાલક ખૂબ જ ખુશ જણાતો હતો.

પંજાબનો વીડિયો જોઈને આમંત્રણ આપવાની ઈચ્છા થઈ
ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા દંતાણીનગરમાં રહેતા સામાન્ય રિક્ષાચાલક વિક્રમ દંતાણીએ વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા ઓટોરિક્ષા ડ્રાઇવર એસોસિયેશનની મીટિંગ હતી અને એમાં અરવિંદ કેજરીવાલના રિક્ષાચાલકો સાથેના સંવાદમાં અમારે જવાનું હતું. પહેલા અમને ખ્યાલ નહોતો કે અરવિંદ કેજરીવાલ ત્યાં આવવાના છે, પરંતુ હું ત્યાં ગયો ત્યારે અરવિંદ કેજરીવાલ ત્યાં આવ્યા હતા. મેં પંજાબનો એક વીડિયો જોયો હતો, જેમાં તેઓ રિક્ષા-ડ્રાઇવરના ઘરે જમવા ગયા હતા, જેથી મને પણ મનમાં લાગ્યું કે હું આમંત્રણ આપું, જેથી મેં તેમને આમંત્રણ આપતાં તેઓ મારા આમંત્રણનો સ્વીકાર કરીને ઘરે જમવા માટે આવ્યા હતા.

હોટલથી ઘર સુધી તેમની સાથે કોઈ વાત ના થઈ
જ્યારે હું અરવિંદ કેજરીવાલને લઈને મારા ઘરે આવ્યો ત્યારે લોકોની ખૂબ જ ભીડ જોવા મળી હતી. આખી સોસાયટી લોકોથી ભરાઈ ગઈ હતી. ઘર સુધી અમે માંડ પહોંચ્યા હતા. તેઓ મારા ઘરે આવશે એવો પહેલાં તો વિશ્વાસ જ નહોતો, પરંતુ તેઓ આવ્યા એનો મને અને મારા પરિવારને પણ આનંદ થયો છે. જ્યારે તાજ હોટલેથી હું તેમને રિક્ષામાં લઈને આવ્યો ત્યારે પાછળ અરવિંદ કેજરીવાલ બેઠા હતા, જોકે તેમની સાથે કોઈપણ પ્રકારની વાતચીત થઈ ન હતી. આગળ DCP બી. યુ. જાડેજા સાહેબ બેઠા હતા અને અન્ય બીજા સાહેબ બેઠા હતા. હોટલથી જેવી રિક્ષા ચાલુ કરી એવી સીધી જ મારા ઘરે જ લાવ્યા હતા, વચ્ચે ક્યાંય ઊભી રાખીને વાતચીત કરી નહોતી.

જમ્યા બાદ કેજરીવાલે રિક્ષાચાલક સાથે વાત કરી હતી
અરવિંદ કેજરીવાલે જમતી વખતે મારી સાથે મારા પરિવાર વિશે વાતચીત કરી હતી. તેમણે પૂછ્યું હતું કે મારા ઘરમાં કોણ કોણ છે. મેં કહ્યું મારા ઘરમાં મારા બે ભાઈ, મારી પત્ની, 1 વર્ષની બાળકી અને મારી માતા સાથે રહું છું. વિક્રમભાઈનાં પત્ની નિશાબેને વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે બપોરના સમયે મારા પતિ વિક્રમભાઈ કાર્યક્રમમાંથી ઘરે આવ્યા ત્યારે તેમણે મને કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ સાહેબ આપણા ઘરે જમવા આવવાના છે. ત્યારે મને જાણ થઈ કે મારા ઘરે તેઓ જમવા આવવાના છે, જેથી અમે તૈયારી શરૂ કરી હતી અને તેમને દૂધીનું શાક, દાળ-ભાત અને રોટલી જમાડયા હતા. દરરોજ જે અમે જમીએ છીએ એ જ જમવાનું તેમના માટે અમે બનાવ્યું હતું.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *