પરીક્ષા આપવા જતા 5 વિદ્યાર્થી કાળનો કોળિયો બન્યા, રુંવાડા ઉભો થઈ જાય તેવો અકસ્માત,
જૂનાગઢ માળિયા-હાટીનાના ભંડુરી ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સાત લોકોના મોત થયા છે. આજે સોમવાર, 9 ડિસેમ્બર 2024ના રોજ કાર ચાલકે કાબુ ગુમાવતા ડિવાઇડર કુદીને સામેથી આવતી કાર સાથે અથડાઇ હતી.
ભંડુરી ગામ નજીક સોમનાથ-જેતપુર હાઇવે ઉપર એક કાર સોમનાથ તરફ જતી હતી ત્યારે કાર ચાલકે કાબુ ગુમાવતા ડિવાઇડર કુદીને રોંગ સાઇડમાં સામેથી આવતી કાર સાથે ટકરાઇ હતી. આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે. મૃતકોને 108 દ્વારા માળિયા-હાટીનાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત
બે કાર વચ્ચે અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા જેમાંથી પાંચ જેટલા વિદ્યાર્થીઓ કેશોદ આસપાસના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ગડુ ખાતે પરીક્ષા આપવા માટે કેશોદથી જતા હતા. મૃતક અન્ય બે લોકો જાનુડા ગામના વતની હોવાની ઓળખ થઇ છે.
બનાવની જાણ થતા જ માળિયા-હાટીના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. અકસ્માત બાદ કારમાં રહેલો CNGનો બાટલો ફાટ્યો હતો અને ત્યારે રોડની પાસ આવેેલા એક ઝુંપડામાં પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. કારમાંથી ફંગોળાયેલા લોકો આ આગમાં પણ પડ્યા હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.