સાયકલ લઈને નોકરીએ જવા માટે નીકળેલા આ ભાઈ કારખાનામાં નોકરી કરતા કોઈ સામાન્ય કર્મચારી નથી પરંતુ…

સાયકલ લઈને નોકરીએ જવા માટે નીકળેલા આ ભાઈ કારખાનામાં નોકરી કરતા કોઈ સામાન્ય કર્મચારી નથી પરંતુ…

ૉસાયકલ લઈને નોકરીએ જવા માટે નીકળેલા આ ભાઈ કારખાનામાં નોકરી કરતા કોઈ સામાન્ય કર્મચારી નથી પરંતુ મહિનાના 1,75,000(પોણા બે લાખ) જેટલો પગાર મેળવતા ભારત સરકારના કર્મચારી છે. આટલો ઊંચો પગાર છતાં આટલી સાદગી કેમ ?

અમૃતભાઈ પટેલ માંડલ તાલુકાના નાના ઉભરા ગામના વતની છે. એમના પિતા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અમૃતભાઈ ભણવામાં હોશિયાર હતા. આગળના અભ્યાસ માટે વલ્લભ વિદ્યાનગર જવું હતું પણ મોટી મૂંઝવણ એ હતી કે રહેવા-જમવા અને ભણવાના ખર્ચની વ્યવસ્થા કેમ કરવી ? પિતાની મજૂરીની આવકમાંથી ખર્ચો નીકળી શકે તેમ ન હતો. આવા સમયે ગામના લોકો અમૃતભાઈની મદદે આવ્યા. ગામના અમુક લોકોએ સાથે મળીને એના અભ્યાસનો ખર્ચ ઉપાડી લીધો.

બસ તે જ દિવસથી અમૃતભાઈએ સંકલ્પ કર્યો કે હું લોકોની મદદથી આગળ અભ્યાસ કરવાનું મારું સપનું પૂરું કરી શક્યો તો હવે જ્યારે હું કમાતો થાવ ત્યારે મારે આગળ અભ્યાસ કરવાના અન્ય વિદ્યાર્થીઓના સપનાઓ પુરા કરવા છે. અમૃતભાઈને 1987માં પશ્ચિમ રેલવેમાં નોકરી મળી. આજે તેઓ રેલવેમાં પાઇલોટ છે. છેલ્લા 33 વર્ષથી પોતાના પગારની મોટાભાગની આવક જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આપી દે છે. વધુ વિદ્યાર્થીઓને મદદ કરી શકાય એટલે પોતાના અંગત ખર્ચાઓ પર કાપ મૂકીને તેમજ સાદગીપૂર્ણ જીવન જીવીને બીજા માટે બચત કરે છે. પોણા બે લાખનો માસિક પગાર હોવા છતાં ઘરથી 8 કિમી દૂર ઓફિસ જવા-આવવા માટે કાયમ સાયકલનો ઉપયોગ કરે છે. પોસાય એમ હોવા છતાં પણ ફોર વ્હીલર લીધી નથી જેથી બચેલી રકમનો ઉપયોગ વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કરી શકાય.

અમૃતભાઈ પટેલના ધર્મપત્ની તરુલતાબેન પણ પતિના આ સેવાકીય કાર્યમાં પૂરતો સહયોગ આપે છે. ઘરખર્ચ માટે પતિના પગારનો ઓછો ઉપયોગ કરવો પડે એટલે તરુલતાબેન સિલાઈકામ કરીને થોડી કમાણી કરે જેથી પગારની આવક બચાવી શકાય. પરમાત્મા પણ આવા પરમાર્થી માણસોના પડખે ઉભા રહેતા હોય છે. અમૃતભાઈ અને તરૂલતાબેનના બંને સંતાનો પણ ડાહ્યા અને હોશિયાર છે. દીકરી એમએસસી એગ્રીનો અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ છે તો દીકરો અત્યારે આયુર્વેદ ડોક્ટરનો અભ્યાસ કરી રહ્યો છે.

અમદાવાદમાં રહેતા અમૃતભાઈએ અત્યાર સુધીમાં નાત-જાત જોયા વગર અનેક જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની મદદ કરી છે એમની મદદથી કોઈ ડોક્ટર થયા છે તો કોઈ એન્જીનીયર થયા છે. કોઈને લેપટોપ લઈ આપ્યા છે તો કોઈની ભણવાની ફી ભરી આપી છે. કોઈને ભણવા માટે દેશની બહાર પણ મોકલ્યા છે તો વળી કોઈને પોતાના ઘરે રાખીને પણ ભણાવ્યા છે.
પોતાના માટે ઓછું અને બીજાના માટે વધુ જીવતા આ મુઠ્ઠી ઉંચેરા માણસને વંદન.

Admin Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *