કળિયુગનો લક્ષ્મણ : ભાભીની બંને કિડની ફેલ થતા દિયરે કિડની આપીને બક્ષ્યું નવજીવન
લક્ષ્મણે મોટા ભાઈ રામ અને માતા સમાન ભાભી સીતાની સેવામાં આખું જીવન સમર્પિત કરી દીધું હતું. લક્ષ્મણની સેવા અને ઉર્મિલાનો ત્યાગ આજે પણ અજોડ છે. જો કે કળિયુગમાં પણ આવા લક્ષ્મણ અને ઉર્મિલાની જોડી મળી આવી છે, એ પણ ગુજરાતમાં. ભાભીની બંને કિડની ફેલ થતા દિયરે પોતાની કિડની આપીને માતા સમાન ભાભીને નવજીવન આપ્યું. આ અંગદાનમાં ઉર્મિલા સમાન દેરાણી પણ પતિના નિર્ણય સાથે ઉભી રહી હતી.
જુના ઉગલા ગામનું દંપત્તિ 8 વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયું
ગીર સોમનાથ જિલ્લાના ગિરગઢડા તાલુકાના જુના ઉગલા ગામના ગોવિંદભાઇ વસ્તાભાઈ ગોહિલના પરિવારનો બીજા નંબરનો પુત્ર શૈલેષભાઈ સેલવાસ, દાદરા નગર હવેલીમાં સ્થાયી થયા હતા. કંપનીમાં પ્રમોશન સાથે તેઓ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સ્થાયી થયા હતા, જ્યાં તેઓ છેલ્લા 8 વર્ષથી પત્ની મનીષાબેન (35) પોતાના 13 વર્ષના પુત્ર સાથે રહે છે.
મનીષાબેનની બંને કિડની ફેલ થઈ
જૂન-2024માં મનીષાબેનને પહેલી વખત બે-ચાર દિવસના માથાના દુઃખાવા અને BPની તકલીફ બાદ ચેકપ કરાવતા બન્ને કિડની ફેલ છે એવું નિદાન થયું.
ડોક્ટરોના કહેવા મુજબ આ કિડનીની ક્રોનિક બીમારી છે, જેની શરૂઆત મનીષાબેનને 13 વર્ષ પહેલા પહેલી પ્રેગ્નન્સીમા BP વધઘટ અને ખેંચ આવવાના કારણે કિડની ઇન્ફેકટેડ થઈ હતી. શરૂઆત ની સારવાર બાદ ક્યારેય વર્ષો સુધી કોઈ બીમારીના લક્ષણો દેખાયા નહીં. હવે બંને કિડની ફેલ થતા કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ વિકલ્પ ન હતો.
ડોક્ટરોના કહેવા મુજબ મનીષાબેનના પિયરના પક્ષે કિડનીના ડોનર મળે તો ખુબજ નજીકના ભવિષ્યમા ટ્રાન્સપ્લાન્ટ પછી ફરી હસતા રમતા થઈ જશે.
પતિ શૈલેષભાઈએ અમદાવાદ સિવિલ અને બીજા ઘણા ડોકટરોની મુલાકાત લીધી અને બધા રિપોર્ટ કરાવ્યાં. સાથે બન્ને પરિવારને જાણ કરી.
પતિ અને નાના બહેન-ભાઈના બ્લડ ગ્રુપ અને મેડિકલ રિપોર્ટ મેચ ન થયા
મનીષાબેનના માતાપિતા ઉંમરલાયક છે અને સાથે દવાઓ પણ ચાલે છે. તેમની નાની બેન અને ભાઈના બ્લડ ગ્રુપ અને મેડિકલ રિપોર્ટ મેચ ન થયા. મનીષાબેનના પતિ શૈલેષભાઈના પણ બ્લડ ગ્રુપ અને મેડિકલ રિપોર્ટ મેચ ન થયા. બન્ને પરિવાર મુંઝવણભરી સ્થિતિમાં અઠવાડિયામાં ત્રણ વાર ડાયાલીસીસ અને કોઈ આકસ્મિક કિડની દાતા મળે એ આશાએ ભવિષ્યની ચિંતા અને આર્થીક રીતે ઘસાઈ રહ્યા હતા.
દિયરે પોતાની કિડની આપવાનો નિર્ણય લીધો, પત્નીએ પણ સાથ આપ્યો
શૈલેષભાઈના નાના ભાઈ સંતોષભાઈએ ભાભીની પીડા જોઈને “આપણે કોઈ કિડનીના ડોનરના ભરોસે નથી બેસવું, હું મારી કિડની આપવા તૈયાર છું” એવું કહી કિડની ડોનેટ કરવાની તૈયારી દર્શાવી. આવા સમયે એમનાં જીવનસાથી તરીકે પત્નીની સહમત કેમ થાય એ મુદ્દો હતો, પણ બહેન સમાન જેઠાણીની જિંદગી માટે હિંમતભેર પતિની પહેલમાં ખરા અર્થમાં અર્ધાંગિની બન્યા અને સંતોષભાઈના પત્ની ગોમતીબેન પણ પતિના નિર્ણય સાથે ઉભા રહ્યાં, જેવી રીતે લક્ષ્મણના નિર્ણય સાથે ઉર્મિલા હતા એમ જ.
અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં ગત 6 ડિસેમ્બરે સવારે 6થી 11ના પાંચ કલાક ચાલેલ ઓપરેશનમાં, સફળતાપૂર્વક દિયર સંતોષભાઈની કિડની એમના ભાભી મનીષાબેનમાં ટ્રાન્સપ્લાન્ટ કરી ડોકટરોની ટીમે નવજીવન આપ્યું હતું.
સંતોષભાઈ પોતાની માતા સમાન ભાભીને કિડની આપી ખરેખર કળિયુગના લક્ષ્મણ બન્યા છે. હાલ બંનેની હાલત સ્વસ્થ છે અને સારી રિકવરી થઈ રહી છે.