કેનેડામાં 7 લાખ વિદ્યાર્થીઓ માથે મોટું સંકટ, દેશ છોડવાનો આવી શકે છે વારો, જાણો કેમ?
કેનેડામાં જસ્ટિન ટ્રુડોની સરકાર ઈમિગ્રેશને લઈને સખ્ત જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ભારતના વિદ્યાર્થીઓ સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. કેનેડામાં વર્ષ 2025ના અંત સુધીમાં લગભગ 50 લાખ ટેમ્પરરી રેસિડેન્ટ સમાપ્ત થવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં કેનેડાના ઈમિગ્રેશન અધિકારીઓને આશા છે કે આ મુદત પૂર્ણ થયા બાદ મોટાભાગના ઈમિગ્રન્ટ્સ કેનેડા છોડી દેશે.
કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે આ સપ્તાહની શરૂઆતમાં આ માહિતી આપી હતી. આ 50 લાખ પરમિટોમાંથી 7 લાખ પરમિટ વિદેશી વિદ્યાર્થીઓ માટે છે જેઓ ટ્રુડો સરકારની તાજેતરની ઈમિગ્રન્ટ વિરોધી નીતિઓને કારણે પડકારોનો સામનો કરી રહ્યા છે.
‘પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ મળશે’
વર્ક પરમિટ સામાન્ય રીતે નવ મહિનાથી ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે. આ ડિપ્લોમા અથવા ડિગ્રી ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં કાયમી નિવાસ માટે અરજી કરવા માટે જરૂરી કામનો અનુભવ મેળવવાની મંજૂરી આપે છે. કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે કહ્યું કે, ‘કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી ઉલ્લંઘન કરનારાઓની તપાસ કરશે. તમામ અસ્થાયી સ્થળાંતર કરનારાઓને જવાની જરૂર રહેશે નહીં. કેટલાકને નવી અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ આપવામાં આવશે.’
માર્ક મિલરે ચિંતા વ્યક્ત કરી હતી કે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કેનેડામાં સ્થળાંતર કરવા માટે અરજી કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ‘નકલી અરજદારોને બહાર કાઢવાની પ્રક્રિયા ઝડપી બનાવાશે.’
કેનેડામાં વિદ્યાર્થીઓનો દેખાવ
આ વર્ષે ઓગસ્ટથી પંજાબના વિદ્યાર્થીઓ વિદેશી વિદ્યાર્થીઓ પ્રત્યે કેનેડાની બદલાતી નીતિ સામે બ્રેમ્પટનમાં દેખાવ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને આશા નહોતી કે દેશમાં તેમની સાથે આવો વ્યવહાર થશે.
કેનેડાના ઈમિગ્રેશન વિભાગના આંકડા દર્શાવે છે કે મે 2023 સુધીમાં 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં હતા. તેમાંથી 3,96,235 પાસે 2023 ના અંત સુધીમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ હતી, જે 2018માં લગભગ ત્રણ ગણી સંખ્યા હતી. જો કે, લાખો વર્ક પરમિટ આગામી એક વર્ષમાં સમાપ્ત થવાની તૈયારીમાં છે અને વિદ્યાર્થીઓ કડક ઇમિગ્રેશન નીતિઓ વચ્ચે કાયમી રહેઠાણ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અગાઉ કેનેડાએ પહેલાથી જ 2024માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પરમિટમાં 35 ટકા ઘટાડો કર્યો હતો. વધુમાં ટ્રુડો સરકાર 2025માં 10% વધુ ઘટાડો કરવાની યોજના બનાવી છે.