300થી વધુ બીમાર, આમાં શરીરમાં ખૂબ જ ધ્રુજારી થાય છે; સ્ત્રીઓ અને છોકરીઓને સૌથી વધુ અસર
આફ્રિકન દેશ યુગાન્ડામાં 300થી વધુ લોકો ડિંગા-ડિંગા વાઇરસથી સંક્રમિત થયા છે, જેમાં મોટા ભાગની મહિલાઓ અને છોકરીઓ છે. આ રહસ્યમય રોગની સૌથી વધુ અસર યુગાન્ડાના બુંદીબાગ્યો જિલ્લામાં જોવા મળી છે.
ન્યૂઝ એજન્સી મોનિટરના જણાવ્યા અનુસાર, જ્યારે દર્દી આ વાઇરસથી સંક્રમિત થાય છે ત્યારે તેના શરીરમાં તીવ્ર કંપન શરૂ થાય છે. આ ધ્રુજારી એટલી તીવ્ર હોય છે કે એવું લાગે છે કે દર્દી ડાન્સ કરી રહ્યો છે. જો ચેપ ગંભીર હોય તો દર્દીને લકવો પણ થઈ શકે છે.
બુંદીબાગ્યો જિલ્લા આરોગ્ય અધિકારી કિયિતા ક્રિસ્ટોફરના જણાવ્યા અનુસાર, આ વાઇરસ પહેલીવાર 2023માં જોવા મળ્યો હતો. ત્યારથી યુગાન્ડાની સરકાર તેની તપાસ કરી રહી છે.
હાલમાં વાઇરસના કારણે મૃત્યુ અંગે કોઈ માહિતી નથી યુગાન્ડાના સ્વાસ્થ્ય વિભાગે હજુ સુધી ડિંગા-ડિંગા વાઇરસના કારણે મૃત્યુ અંગે કોઈ માહિતી આપી નથી. વિભાગે લોકોને સમયસર દવાઓ લેવાની સલાહ આપી છે. જે લોકોને ચેપ લાગ્યો છે તેમને બુંદીબાગીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સરકારી હોસ્પિટલમાં ડિંગા-ડિંગા વાઇરસના દર્દીઓની સારવાર કરાઈ રહી છે.
રિપોર્ટ અનુસાર, અત્યારસુધી આ બીમારીને રોકવા માટે કોઈ રસી નથી. આરોગ્ય અધિકારી કિયિતાના જણાવ્યા અનુસાર, સંક્રમિત લોકોને એન્ટીબાયોટિક્સ આપીને સારવાર આપવામાં આવી રહી છે. આમાંથી સાજા થવામાં લગભગ એક સપ્તાહનો સમય લાગી રહ્યો છે.
કિયિતાએ હર્બલ દવાઓને વાઇરસની સારવારમાં બિનઅસરકારક ગણાવી છે અને લોકોને પરીક્ષણ અને સારવાર માટે હોસ્પિટલમાં આવવા કહ્યું છે. કિયિતાએ કહ્યું,
હર્બલ દવાઓથી રોગનો ઈલાજ થઈ શકે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા આજ સુધી મળ્યા નથી. લોકોએ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અપાતી દવાઓ લેવી.
રોગથી બચવા સ્વચ્છ રહેવાની સલાહ આ રોગથી બચવા માટે આરોગ્ય વિભાગે લોકોને સ્વચ્છ રહેવાની સલાહ આપી છે. તેમને કોઈપણ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. ડો. કિયિતાએ કહ્યું હતું કે બુંદીબુગ્યો સિવાય અન્ય કોઈ જિલ્લામાં વાઇરસનો કોઈ કેસ જોવા મળ્યો નથી.
આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમને અનેક શંકાસ્પદ લોકોના સેમ્પલ મોકલ્યાં છે. આ સેમ્પલોની તપાસ હજુ બાકી છે. આ રોગની તુલના ફ્રાન્સમાં 1518માં ફેલાયેલી ‘ડાન્સિંગ પ્લેગ’ સાથે કરવામાં આવી રહી છે. લોકો આ રોગથી સંક્રમિત થઈ ગયા અને ઘણા દિવસો સુધી ધ્રૂજતા હતા.
સતત ધ્રુજારીને કારણે ઘણી વખત લોકો થાકને કારણે મૃત્યુ પણ પામ્યા હતા.
યુગાન્ડામાં ડોક્ટરો વાઇરસથી સંક્રમિત લોકોની સારવાર કરી રહ્યા છે.
રોગનું નામ ડિંગા-ડિંગા કેવી રીતે પડ્યું? યુગાન્ડામાં ફેલાતા આ રોગને હજુ સુધી વૈજ્ઞાનિક નામ આપ્યું નથી. ન્યૂઝ એજન્સી મોનિટર અનુસાર, ત્યાંના લોકો આ વાઇરસને સામાન્ય ભાષામાં ‘ડિંગા-ડિંગા’ કહે છે, જેનો અર્થ થાય છે ‘નૃત્યની જેમ મજબૂત ધ્રુજારી’.
વાઇરસમાંથી સાજા થયેલા 18 વર્ષના દર્દી પેશન્સ કટુસીમે ન્યૂઝ એજન્સી મોનિટરને જણાવ્યું હતું કે લકવાગ્રસ્ત હોવા છતાં તેનું શરીર અનિયંત્રિત રીતે ધ્રૂજતું રહ્યું. તેણે પહેલા નબળાઈ અનુભવી અને બાદમાં લકવો થઈ ગયો.
તેણે કહ્યું હતું કે જ્યારે પણ હું ચાલવાનો પ્રયત્ન કરતો ત્યારે મારું શરીર અનિયંત્રિત રીતે ધ્રૂજવા લાગે છે.
મને નબળાઈ અને લકવાગ્રસ્ત લાગ્યું. જ્યારે પણ મેં ચાલવાનો પ્રયત્ન કર્યો ત્યારે મારું શરીર અનિયંત્રિત રીતે ધ્રૂજવા લાગ્યું.
કોંગોમાં રહસ્યમય રોગને કારણે 143 લોકોનાં મોત થયાં છે બીજી તરફ કોંગો (ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો)માં વધુ એક રહસ્યમય રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે કોંગોમાં અત્યારસુધીમાં 143 લોકોનાં મોત થયાં છે, જેમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો છે. કોંગોના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વાઇરસના દર્દીઓમાં તાવ, માથાનો દુખાવો, ઉધરસ અને મલેરિયા જેવાં ગંભીર ફ્લૂ જેવાં લક્ષણો જોવા મળે છે.
આ વર્ષે ઓક્ટોબરમાં પ્રથમ વખત આ રહસ્યમય રોગના 592 કેસ નોંધાયા હતા.
WHOએ આ રોગને ‘ડિસીઝ એક્સ’ નામ આપ્યું છે, કારણ કે એની સંપૂર્ણ તપાસ થઈ નથી. આ વાઇરસને કારણે જે લોકોએ જીવ ગુમાવ્યા છે એમાં મોટા ભાગનાં બાળકો છે, જેમની ઉંમર 5 વર્ષની આસપાસ છે. WHO રોગ વિશે વધુ માહિતી એકઠી કરી રહ્યું છે.
2.5 લાખ રૂપિયાની કેન્સર વેક્સિન રશિયા ફ્રીમાં આપશે: ટૂંક સમયમાં બીજી વેક્સિનની જાહેરાત કરશે
રશિયાની કેન્સરની રસીની જાહેરાત બાદ વિશ્વભરના કેન્સરના દર્દીઓમાં આશા જાગી છે. રશિયન હેલ્થ મિનિસ્ટ્રીના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર આંદ્રે કેપ્રિનના જણાવ્યા અનુસાર, આ રશિયન કેન્સરની રસી વિવિધ પ્રકારના દર્દીઓ માટે અલગ-અલગ રીતે બનાવવામાં આવશે