માતાને જીવિત સાબિત કરવા દિવ્યાંગ પુત્ર અઢી વર્ષથી લગાવે છે કચેરીના ચક્કર
યુપીના કૌશામ્બી જિલ્લામાં એક સમાજ કલ્યાણ અધિકારીનું વિચિત્ર કૃત્ય સામે આવ્યું છે. અહીં અધિકારીઓએ એક વૃદ્ધ મહિલાને કાગળ પર મૃત બતાવીને તેનું પેન્શન બંધ કરી દીધું. આ વાતની જાણ મહિલાને થતાં તે ઓફિસે દોડી ગઈ હતી. પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વૃદ્ધ મહિલા છેલ્લા અઢી વર્ષથી સત્તાવાળાઓને તે જીવતી હોવાનું બતાવવા માટે ચક્કર લગાવી રહી હતી, પરંતુ કોઈએ તેની વાત સાંભળી નહીં. હાલમાં આ મામલે તપાસ બાદ DMએ બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
આ આખો મામલો કૌશામ્બીના મંઝાનપુર તહસીલના કટીપર ગામનો છે, જ્યાં 70 વર્ષીય રાજકુમારી દેવીના પતિના મૃત્યુ બાદ તેમને મુસીબતોના પહાડનો સામનો કરવો પડ્યો હતો. તેમના ઘરે એક અપંગ પુત્ર પણ છે. આરોપ છે કે અધિકારીઓએ કાગળો પર રાજકુમારી દેવીને મૃત બતાવીને વૃદ્ધાવસ્થા પેન્શન બંધ કરી દીધું. માત્ર પેન્શનની રકમ પર રાજકુમારી અને તેમના દિવ્યાંગ પુત્રનું જીવનયાપન થઈ રહ્યું હતું.
હવે રાજકુમારી પોતાને જીવંત સાબિત કરવા માટે છેલ્લા અઢી વર્ષથી વિકાસ ભવનના ચક્કર લગાવી રહી છે. ઉનાળો હોય કે શિયાળો, રાજકુમારી તેના અપંગ પુત્ર સાથે તેની ટ્રાઇસિકલ પર અધિકારીઓ પાસે પહોંચે છે અને ફરિયાદ નોંધાવે છે. પરંતુ આ અધિકારીઓ છે કે તેમનું હૃદય પીગળતું નથી. અંતે તે પોતાની ફરિયાદ લઈને ડીએમ પાસે પહોંચી અને મામલાની ફરિયાદ કરી.
મહિલાનું કહેવું છે કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઓફિસે પહોંચ્યા બાદ પણ કોઈ સાંભળતું નથી. પેન્શન બંધ થવાને કારણે અમારો પરિવાર એક-એક પૈસા માટે તડપી રહ્યો છે. પરંતુ કોઇ અધિકારી અમારી નોંધ લેતા નથી. તે જ સમયે, તેમના દિવ્યાંગ પુત્ર રામ બહાદુર કહે છે કે, “મારી માતાને વૃદ્ધાવસ્થા પેન્શન મળતું હતું, જેના કારણે અમારા ઘરનો ખર્ચ ચાલતો હતો. લગભગ અઢી વર્ષ સુધી સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ દ્વારા મારી માતાને કાગળ પર મૃત દર્શાવવામાં આવી હતી, ત્યારબાદ હું મારી માતાને ટ્રાઇસાઇકલ પર લઈને 30 કિલોમીટર દૂર અધિકારીઓ પાસે આવું છું, પરંતુ કોઈ સાંભળતું નથી.
હાલમાં ડીએમ મધુસુદન હુલગીએ કહ્યું છે કે મામલો અમારા ધ્યાન પર આવતા જ અમે સંબંધિત અધિકારી સાથે વાત કરી છે. બેદરકારી બદલ BDO અને સેક્રેટરી સામે પગલાં લેવાશે. ટૂંક સમયમાં પેન્શન પુનઃસ્થાપિત કરવા માટે કહેવામાં આવ્યું છે.